Gujarat  News 

જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, જિલ્લા કલેકટરશ્રી ડી. એ.શાહ અને ICICI ફાઉન્ડેશનના સી.ઓ.ઓ (C.O.O) શ્રી અનુજ અગ્રવાલ સહિતના મહાનુભાવોના હસ્તે લીલી ઝંડી ફરકાવી મોબાઈલ વાનનું કરાવાયું પ્રસ્થાન

રાજપીપલા,શનિવાર :- નર્મદા જિલ્લા કલેકટરશ્રી ડી.એ.શાહ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, જિલ્લા પંચાયતની પશુપાલન સમિતિના અધ્યક્ષ શ્રીમતી સંગીતાબેન તડવી, ICICI ફાઉન્ડેશનના સી.ઓ.ઓ (C.O.O) શ્રી અનુજ અગ્રવાલ, જિલ્લા આયોજન અધિકારીશ્રી એસ.એસ.પાંડે, નાયબ પશુપાલન નિયામકશ્રી ડૉ.જે.આર.દવે સહિત ICICI ફાઉન્ડેશન તેમજ પશુપાલન વિભાગના અન્ય અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં આજે રાજપીપલા કલેક્ટરાલય ખાતે CSR ફંડની પ્રવૃત્તિઓ હેઠળ અંદાજે રૂા.૨૦ લાખના ખર્ચે પશુ સારવાર માટેની ૨(બે) મોબાઇલ વાનનું લોકાર્પણ કરાયું હતું. જેમાં એક વાન ગરૂડેશ્વર તાલુકા માટે અને બીજી વાન દેડીયાપાડાના અંતરિયાળ અને દુર્ગમ વિસ્તાર માટે ફાળવવામાં આવી છે.
                 રાજપીપલા કલેક્ટરાલયના સભાખંડ ખાતે યોજાયેલા પશુ સારવાર મોબાઇલ વાનના ઉક્ત લોકાર્પણ કાર્યક્રમ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવાએ જણાવ્યું હતું કે,  ICICI ફાઉન્ડેશન ધ્વારા નર્મદા જિલ્લામાં પશુપાલનમાં બકરા પાલનની પ્રવૃત્તિને પ્રોત્સાહન મળવાથી તેને વેગ મળશે અને આ વ્યવસાયમાં જોડાયેલી બહેનો વધુ સક્ષમ બનશે. બકરા પાલન પ્રવૃત્તિમાં મહત્તમ બહેનો જોડાઇને આ યોજનાનો લાભ લે તેવા સક્રિય પ્રયાસો હાથ ધરવા પણ તેમને ખાસ અનુરોધ કર્યો હતો.
                  ICICI ફાઉન્ડેશનના સી.ઓ.ઓ (C.O.O) શ્રી અનુજ અગ્રવાલે નર્મદા જિલ્લામાં હાથ ધરાયેલા પશુપાલન વિકાસ અંતર્ગત બકરા પાલન પ્રોજેક્ટની રૂપરેખા આપતાં જણાવ્યું હતું કે, એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ અંતર્ગત નર્મદા જિલ્લા કલેકટરશ્રી ડી.એ.શાહના માર્ગદર્શન અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.ડી.પલસાણાની રાહબરી હેઠળ જિલ્લા પ્રશાસનના સક્રિય સહયોગ અને સુચારા સંકલનની ફલશ્રૃતિ રૂપે માત્ર ત્રણ જ મહિનાના ટૂંકા સમયગાળામાં ICICI ફાઉન્ડેશનના આ પ્રોજેક્ટના અમલીકરણના પ્રારંભની સફળતા પ્રાપ્ત થઇ છે. જિલ્લા પ્રશાસન તરફથી પ્રોજેક્ટ અમલીકરણમાં મળેલા અખૂટ પ્રોત્સાહનને લીધે ICICI ફાઉન્ડેશનનો આ કામગીરીમાં ઉત્સાહ બેવડાયો છે, ત્યારે આ જિલ્લામાં હજી પણ લોકજરૂરિયાત મુજબની સુવિધાઓ ગુણવત્તાસભર પૂરી પાડવાની અમારી કાર્યપ્રણાલી સતત આગળ ધપતી રહેશે, તેમ શ્રી અગ્રવાલે વધુમાં ઉમેર્યું હતું.
                 અત્રે એ ઉલ્લેનીય છે કે, ICICI ફાઉન્ડેશન ધ્વારા નર્મદા જિલ્લામાં દુર્ગમ અંતરિયાળ અને પહાડી વિસ્તારોમાં બકરા પાલનની પ્રવૃત્તિને વેગ મળે તે હેતુથી આવા વિસ્તારમાં  બકરા પાલન કરતા પશુપાલકોને સહાયરૂપ બની તેમની આવકમાં વૃધ્ધિ થાય તે માટેનો પ્રોજેક્ટ પણ જિલ્લામાં અમલમાં મુકાયેલ છે અને ૧૫  જેટલા ગામો માટે ૧૯ પશુ સખીની નિમણૂંક સાથે અંદાજે ૭૭૦ થી પણ વધુ બહેનોને જરૂરી તાલીમબધ્ધ કરાયાં છે. અને બકરા પાલન પ્રવૃત્તિઓમાં જરૂરી માર્ગદર્શન સાથે આ પશુ સખી મહિલાઓ સહાયરૂપ બનશે. તેની સાથોસાથ જિલ્લાની મહિલાઓને કિચન ગાર્ડનીંગ, વર્મિકંમ્પોઝ, અઝોલા વનસ્પતિના વાવેતર વગરે અંગેની ઘનિષ્ટ તાલીમ નિદર્શનનું આયોજન કરાયું છે જેના થકી તેમની આજીવિકામાં ઉમેરો થશે.
               નાયબ પશુપાલન નિયામકશ્રી ડૉ.જે.આર.દવે અને જિલ્લા આયોજન અધિકારીશ્રી એસ.એસ.પાંડેએ તેમના ઉદબોધનમાં જિલ્લામાં આ પ્રોજેક્ટના પ્રારંભથી તેની મંજૂરી પ્રક્રિયા સુધીની જુદા જુદા પાસાંઓ સંદર્ભે ખૂબ જ ઝડપથી થયેલી કાર્યવાહીની વિસ્તૃત જાણકારી આપી હતી. આ પ્રસંગે ICICI ફાઉન્ડેશનના શ્રી નિરજ ચૌધરી અને શ્રી ધીરજ ચૌધરી વગેરે પણ ઉપસ્થિત રહ્યાં હતા.
                                                    Posted By:Vijay Baraiya


Follow us on Twitter : https://twitter.com/VijayGuruDelhi
Like our Facebook Page: https://www.facebook.com/indianntv/
follow us on Instagram: https://www.instagram.com/viajygurudelhi/
Subscribe our Youtube Channel:https://www.youtube.com/c/vijaygurudelhi
You can get all the information about us here in just 1 click -https://www.mylinq.in/9610012000/rn1PUb
Whatspp us: 9587080100 .
Indian news TV