Gujarat  News 

ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ દ્વારા નગરપાલિકાઓને ફાળવેલ ગ્રાન્ટની સમીક્ષા બેઠક યોજાઇ.

  ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના માધ્યમથી નગરપાલિકાઓના વિકાસ માટે માતબર કામગીરી થઇ છે

 ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેનશ્રી ડો. ધનસુખભાઇ ભંડેરી

 વિકાસલક્ષી કાર્યો માટે મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ દ્વારા છેલ્લાં પ વર્ષમાં રૂા. ૩૮,૫૦૦ કરોડની ગ્રાન્ટ ગુજરાતની નગરપાલિકાઓ તેમજ મહાનગરપાલિકાઓને આપવામાં આવ્યું છે

 ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ દ્વારા નગરપાલિકાઓને ફાળવેલ ગ્રાન્ટની સમીક્ષા અંગેની એક બેઠક ભાવનગર ખાતે યોજાઇ હતી. આ બેઠકમાં ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ તેમજ જૂનાગઢ જિલ્લાઓની નગરપાલિકાઓના પ્રગતિના કાર્યોનો રીવ્યું કરવામાં આવ્યો હતો.

ઝવેરચંદ મેઘાણી હોલ ખાતે યોજાયેલાં કાર્યક્રમમાં ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેનશ્રી ડો. ધનસુખભાઇ ભંડેરીએ જણાવ્યું કે, ફાયનાન્સ બોર્ડના માધ્યમથી છેલ્લાં પ વર્ષમાં રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને રૂા. ૩૮,૫૦૦ કરોડની ગ્રાન્ટ પૂરી પાડવામાં આવી છે. જેનાથી નગરપાલિકા વિસ્તારમાં રોડ, રસ્તા, ગટર, પાણીની સુવિધાઓ, કોમ્યુનિટી હોલ સહિતની વિવિધ સુવિધાઓ સાકાર થઇ છે. 

તેમણે આ સંદર્ભમાં ઉમેર્યું કે, આ જનલક્ષી સુવિધાઓથી લોકોના જીવન ધોરણમાં સુધારો આવ્યો છે. નગર હવે લવેબલ અને લીવેબલ બનવાં લાગ્યાં છે. લોકોની પાયાની જરૂરીયાત સાથે બાગ- બગીચા વગેરેની સુવિધાઓ ઉભી કરી મહાનગર જેવી સુવિધાઓ આ નગરપાલિકા વિસ્તારોમાં પણ ઉભી કરવામાં આવી રહી છે. 

ચેરમેનશ્રીએ ઉપસ્થિત નગરપાલિકાઓના પ્રમુખશ્રી અને ચીફ ઓફિસર્સશ્રીઓને જણાવ્યું કે, તમે યોજના તથા તેના અમલીકરણનો પ્લાન લઇને આવો ફાયનાન્સ બોર્ડ દ્વારા વિકાસના કાર્યો માટે પૂરતી ગ્રાન્ટ ફાળવવામાં આવશે.

આ અંગે તેમણે વિકાસ કાર્યોનું સમયસર અને સૂચારું આયોજન થાય તેમજ પ્રગતિમાં રહેલાં અને નવાં મૂકાનાર પ્રોજેક્ટ અંગે નિયમિત અંતરાલે રિવ્યું બેઠક યોજાય તેની તકેદારી રાખવાં અનુરોધ કર્યો હતો.

વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા અમૃત મીશન-૨ માં રાજ્યની તમામ નગરપાલિકાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે તેની વિગતો આપી આ યોજનાનો મહત્તમ લાભ ઉઠાવવાં આહવાન કર્યું હતું. 

ચેરમેનશ્રીએ કહ્યું કે, ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ ગામડાઓમાં પણ શહેર જેવી સુવિધાઓ પૂરી પાડવાં માટે કટિબધ્ધ છે. ગામડાઓના ઉધ્ધાર માટે તાજેતરમાં જ ગ્રામ વિકાસ યાત્રા દ્વારા ગામના દ્વારે સરકાર પહોંચીને હાથોહાથ લાભનું વિતરણ કર્યું હતું. ગામ જો સુખી હશે તો આ દેશ પણ સુખી હશે તેવાં ભાવ સાથે રાજ્ય સરકાર કાર્ય કરી રહી છે. આત્મનિર્ભર ગુજરાત દ્વારા આત્મનિર્ભર ભારતનો ધ્યેય સાકાર કરવાં માટે મુખ્યમંત્રીશ્રી કટિબધ્ધતાથી કાર્ય કરી રહ્યાં છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું. 

તેમણે ઉપસ્થિત નગરપાલિકાઓના અધિકારીઓ- પદાધિકારીઓને પ્રગતિમાં રહેલાં કાર્યોનું વખતોવખત ફોલો-અપ લઇ તેમાં ગતિશીલતા લાવીને નગરને આદર્શનગર બનાવવાં કટિબધ્ધ થવાં જણાવ્યું હતું. 

ચેરમેનશ્રીના હસ્તે સ્વચ્છતા સર્વેક્ષણમાં રાજ્યમાં દ્વિતિય ક્રમાંકે આવેલ કોડિનાર નગરપાલિકા તેમજ સ્વચ્છતા સર્વેક્ષણમાં અગ્રક્રમે રહેનાર નગરપાલિકાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. 

મુખ્ય કારોબારી અધિકારીશ્રી પટ્ટણી સાહેબે ભાવનગર ઝોનની ૨૭ નગરપાલિકાઓના કાર્યોની વિશદ સમીક્ષા કરી હતી. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડનાશ્રી જે.જે. ગાંધીએ નગરપાલિકા વિસ્તારમાં કઇ રીતે ઉર્જાની ખપતમાં ઘટાડો કરી વીજ બીલ ઓછું કરી શકાય તેનું માર્ગદર્શન આપ્યું હતું. 

ભાવનગરના પ્રાદેશિક નગરપાલિકા નિયામકશ્રી અજય દહિંયાએ સ્વાગત પ્રવચન કરી આગામી તા. ૧૦ મી એ ભાવનગર ખાતે મંજૂરીઓ માટે કેમ્પ યોજવાની જાહેરાત કરી હતી. 

આ અવસરે પ્રાદેશિક કમિશનર નગરપાલિકાની કચેરીના અધિક કલેક્ટરશ્રી આર. આર. ડામોર તથા વિવિધ નગરપાલિકાઓના પ્રમુખશ્રીઓ, ઉપપ્રમુખશ્રીઓ, ચીફ ઓફિસરશ્રીઓ, એન્જિયનિરશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. Posted By:Vipul Kumar Chouhan


Follow us on Twitter : https://twitter.com/VijayGuruDelhi
Like our Facebook Page: https://www.facebook.com/indianntv/
follow us on Instagram: https://www.instagram.com/viajygurudelhi/
Subscribe our Youtube Channel:https://www.youtube.com/c/vijaygurudelhi
You can get all the information about us here in just 1 click -https://www.mylinq.in/9610012000/rn1PUb
Whatspp us: 9587080100 .
Indian news TV