Gujarat  News 

ઇકો સેન્સીટીવ ઝોનની બાબતો અંગે કોઇ સ્પષ્ટતાની જરૂરિયાત હોયતો મામલતદાર- કલેક્ટર કચેરી અથવા નાયબ વન સંરક્ષકશ્રી-નર્મદાની કચેરીનો સંપર્ક સાધવા જિલ્લા વહિવટીતંત્રની જાહેર અપીલ

રાજપીપલા,શુક્રવાર :- કેન્દ્ર સરકારનાં, પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયના જાહેરનામાં ક્રમાંક : S.O.1653 (E) તા.૦૫/૦૫/૨૦૧૬ થી નર્મદા જિલ્લામાં શૂલપાણેશ્વર અભ્યારણ્ય વિસ્તારની ફરતે ઇકો-સેન્સેટીવ ઝોન નિર્ધારીત કરવામાં આવેલ છે, જેમાં નર્મદા જિલ્લાના નાંદોદ, ગરૂડેશ્વર, દેડીયાપાડા અને સાગબારાના કુલ-૧૨૧ ગામોનો સમાવેશ કરવામાં આવેલ છે. આ સંદર્ભે પૂરતી માહિતી અથવા જાણકારીના અભાવે અથવા અન્ય કોઇ કારણસર અમુક વ્યક્તિઓ/જુથ દ્રારા જાહેર જનતા ગેરમાર્ગે દોરાવાની શક્યતા નિર્મૂળ કરવા માટે અને ઇકો-સેન્સેટીવ ઝોન અંગે સાચી અને અધિકૃત માહિતી લોકો સુધી પહોચે તે જરૂરી છે. 

          તદ્અનુસાર, જિલ્લા વહિવટીતંત્ર તરફથી એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ ઈકો સેન્સેટીવ ઝોનની રચનાનો મુખ્ય હેતુ પ્રાકૃતિક સૌંદર્ય જળવાઈ રહે, જળસ્ત્રાવ માટે નદીઓનું અસ્તિત્વ જળવાઈ રહે, જૈવિક સંપતિ અને વન્યજીવો ઉપર આડકતરી રીતે બધાનુ તઅસ્તિત્વ ઉભુ ન થાય તેમજ આદિવાસી સમાજની જળ-જંગલ-જમીન-ખનીજ સંપદાઓ, વગેરેનું પર્યાવરણીય રક્ષણ રહે તે માટેનો છે. અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી, વન્ય જીવ, ગુજરાત રાજ્ય ગાંધીનગરના પત્રકમાંક : વપસ/ટે.૩૨/બ/૫૭૮૯/૨૦૨૦-૨૧, તા.૩૦/૧૨/૨૦૨૦ થી ઈકો સેન્સેટીવ ઝોનમાં સમાવિષ્ટ થતા ગામોના ગામ નમુના નં.૭ નાં બીજા હકકમાં નોંધો દાખલ કરવા અંગેની સૂચના મૂળ અસરથી રદ કરવામાં આવેલ છે, જેથી નર્મદા જિલ્લામાં ઈકો સેન્સેટીવ ઝોન અંગે સબંધિત ગામનાં ગામ નમુના નં.૭ ના બીજા હકકમાં ગામોના ગામ નમુના નં.૭ ના બીજા હકોમાં કરવામાં આવેલ તમામ એન્ટ્રી રદ કરવામાં આવેલ છે તથા હવે બીજા હકમાં કોઇ જ નોંધ પાડવામાં આવનાર નથી. 

           ઇકો સેન્સેટીવ ઝોનની ખેતીની જમીનોના ખાતેદારના માલિકી હક્કમાં કોઈ ફેરફાર થતો  નથી તથા તેઓ આવી જમીન ગમે ત્યારે અન્યને વેચી શકે છે. આ જમીનોની માલિકી જે તે ખાતેદારોની જ રહે છે તથા આવી જમીન નિયત કાર્ય પધ્ધતિ અનુસરીને બિનખેતી હેતુ માટે રૂપાંતરિત કરી શકાય છે. ભારતના સંવિધાનની અનુસુચિ-૫ અને ૬ માં સમાવિષ્ટ આદિવાસીઓના કોઇ પણ પ્રકારના હકોનું હનન થતું નથી. ઇકો સેન્સેટીવ ઝોનમાં આવેલ જમીનોમાં મોનીટરીંગ કમિટીની મંજુરીથી રહેણાંક, હોટલ, રિસોર્ટ, પર્યાવરણને નુકશાન ન થાય તેવા લઘુ ઉદ્યોગો વગેરે બિનખેતી વિષયક પ્રવૃત્તિઓ માટે માત્ર પૂર્વ પરવાનગી લેવાની હોય છે, પરંતુ આવી બિનખેતી માટે આવી કોઈ મનાઇ કરવામાં આવેલ નથી. 

         ઈકો સેન્સીટીવ ઝોનનો હેતુ વિસ્તારની જમીનો મોટા ઔધોગિક ગૃહો તથા અન્ય વ્યક્તિઓ દ્વારા પાણી તથા હવાને પ્રદૂષિત કરે તેવા ઉદ્યોગોની સ્થાપના પર નિયંત્રણ મુકવાનો છે તેમજ આદિવાસી સમાજની રહેણીકરણી, જાતિગત પરંપરા અને સંરકૃતિ ઉપર પ્રદુષણના કારણે માઠી અસર ન પડે તેવો છે. ઈકો સેન્સીટીવ ઝોનમાં કૃષિ પધ્ધતિમાં ફેરફાર, ભુગર્ભ જળનો વ્યવસાયિક ઉપયોગ, વિજળી માટે તાર ખેચવાની, વિજ જોડાણ, હોટલ, અને રહેણાંકના પરિસર ફરતે વાડ કરવાની , રસ્તો પહોળો કરવાની કામગીરી , ખેતરમાં ટ્રેકટર લાવવા લઈ-જવા, રાત્રિમાં ગ્રામ્ય વિસ્તારોની અવર જવર, ગ્રામ્ય વિસ્તારોમાં ધંટી ચલાવવા કે માલિકીના ઝાડ કાપવા ઉપર કોઈ પ્રતિબંધ કે મનાઇ નથી. 

        હાલ પણ કેવડીયા ખાતે જ, નર્મદા જિલ્લાનાં કુલ-૨૦૧૭ સ્થાનિક અસરગ્રસ્તો તથા શિક્ષિત બેરોજગારો અને  આદિવાસીઓને સીધી જ રોજગારી આપવામાં આવેલ છે. પ્રવાસન ઉદ્યોગનો વિકાસ થવાના કારણે દિન-પ્રતિદિન રોજગારીની વધુને વધુ સીધી તથા આડકતરી તકો ઉપલબ્ધ થઈ રહેલ છે, જેના કારણે પરિસરિય પ્રવાસનની પ્રવૃત્તિને વેગ મળે છે અને સ્થાનિક લોકોને રોજગારી પ્રાપ્ત થાય છે. જેથી ઇકો સેન્સીટીવ ઝોન અંગે ઉક્ત હકીકતલક્ષી બાબતોની જાહેર નોંધલેવા અને આ સિવાયની ગેરમાર્ગે દોરતી બાબતોના સમાચાર-અહેવાલ પરત્વે ધ્યાન ન આપવા નિવાસી અધિક કલેક્ટરશ્રી, નર્મદા-રાજપીપલા, નાયબ વન સંરક્ષકશ્રી, કેવડીયા અને નાયબ વન સંરક્ષકશ્રી-નર્મદા વન વિભાગ, રાજપીપલાની એક સંયુક્ત  અખબારી યાદીમાં જાહેર અનુરોધ કરાયો છે અને આ બાબતે કોઇ સ્પષ્ટતાની જરૂર હોય તો મામલતદાર કચેરી, કલેક્ટર કચેરી અથવા નાયબ વન સંરક્ષકશ્રી,  નર્મદાની કચેરીનો સંપર્ક સાધવા પણ જાહેર અપીલ કરાઇ છે. Posted By:Vijay Baraiya


Follow us on Twitter : https://twitter.com/VijayGuruDelhi
Like our Facebook Page: https://www.facebook.com/indianntv/
follow us on Instagram: https://www.instagram.com/viajygurudelhi/
Subscribe our Youtube Channel:https://www.youtube.com/c/vijaygurudelhi
You can get all the information about us here in just 1 click -https://www.mylinq.in/9610012000/rn1PUb
Whatspp us: 9587080100 .
Indian news TV