Gujarat  News 

સાબરકાંઠા:ખેડબ્રહ્મા તાલુકાના ગલોડિયા ગ્રામપંચાયતે પડતર જમીનમાંથી પૈસા પેદા કર્યા.

ગૌચરની જમીનમાં નિલગીરીનુ વાવેતર કરી ગામને ગ્રીન ગલોડીયા બનાવ્યું અને સામાજીક વનીકરણથી પંચાયતને આવક સાથે ગ્રામજનોને રોજગારી ઉભી કરી.


     સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના ગલોડિયા ગ્રામ પંચાયત દ્રારા અન્ય ગ્રામ પંચાયતોને ઉદાહરણરૂપ કામગીરી કરવામાં આવી રહી છે. ગામની ૭૨ હેક્ટર ગૌચર જમીનમાં સામાજીક વનીકરણ વિભાગ સાથે મળીને નીલગીરીનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. લીલુડા વન અને આવક સાથે ગ્રામજનોને રોજગારી તેમજ ઇમારતી લાકડું મળે તે આવકમાંથી ગ્રામ પંચાયત આવક મેળવીને ગામના વિકાસ કામો કરીને સ્વાવલંબી બની છે.  
ગામના સરપંચ વિનોદભાઇ પટેલે જણાવે છે કે,તેઓ છેલ્લા ૭ વર્ષથી ગામના સરપંચ તરીકે કાર્યભાર સંભાળી રહ્યા છે. તેઓ ગામના સરપંચ બન્યા ત્યારે સામાજીક વનીકરણ વિભાગની મંજૂરી મેળવી ગૌચરમાં આવેલી નીલગીરીની હરાજી કરાવી આવકની શરૂઆત કરી હતી. આ આવક મળવાથી ગ્રામ પંચાયત પોતાના ગ્રામ વિકાસના કાર્યો કરવાની શરૂઆત કરી અને આ આવક દ્રારા તેમને બાકીની ખાલી ગૌચર જમીનમાં નીલગીરી ઉછેરની પ્રેરણા મળી હતી. હાલમાં ૭૨ હેક્ટર ગૌચરમાં નીલગીરીનો ઉછેર થઇ રહ્યો છે. જેમાં ખેડબ્રહ્મા સામાજીક વનીકરણ વિભાગ દ્રારા સંપૂર્ણ દેખરેખ કરવામાં આવે છે.૧૦ વર્ષે આ નીલગીરી કટીંગ માટે તૈયાર થાય છે.     
  વધુમાં સરપંચશ્રી જણાવે છે કે, આ વૃક્ષોના ઉછેરની તમામ જવાબદારી વનીકરણ વિભાગની છે અને આ વૃક્ષોની આવકમાં ૭૫% રકમ ગ્રામપંચાયતને મળે છે જ્યારે ૨૫% વનીકરણ વિભાગને મળે છે જેનો ઉપયોગ ગામની જમીનમાં નવા વૃક્ષારોપણ અને ઉછેર પાછળ ખર્ચ થાય છે. જ્યારે ૭૫% આવકમાંથી  ગ્રામ વિકાસના કામો જેવા કે રોડ-રસ્તા બનાવવા, ગામમાં નવી ગટર લાઇન વગેરેનુ નિર્માણ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં ગલોડીયા ગ્રામ પંચાયતે ૩૦ લાખની આવક મેળવી છે. જ્યારે હમણા જ ૪.૯૦ લાખની નીલગીરીની હરાજી કરી છે જેની રકમ હજુ ગ્રામપંચાયતને મળવાની બાકી છે. ચાલુ સાલે જાપાનની મિયાવાકી પદ્ધતિથી ૨૦X ૨૦ના ક્ષેત્રફળમાં ૧૦૨૪ રોપાઓનો ઉછેર કરવામાં આવશે. જેમાં સેન્દ્રીય ખાતર નાળિયેરના છોતરા, માટી, ઘઉનું ભુસુ ડાંગરનું પરાળ આ ક્યારાઓમાં પાથરવામાં આવે છે અને પછી રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે. 
ગલોડીયાને ગ્રીન બનાવવાની વાત કરતા સરપંચે કહ્યુ કે, વધુ વૃક્ષો વાવીને આપણા વિસ્તારને હરિયાળો બનાવવાની સાથે વનવિભાગ જિલ્લા વહીવટી તંત્રના સહકારથી આજે અમે સુંદર રીતે વૃક્ષ ઉછેર અને વાવેતર કરી રહ્યા છીએ અન્ય ગ્રામ પંચાયતો પણ આ માર્ગે ચાલે તો સરકારી ગ્રાન્ટ ન હોય તો પણ ગામનો વિકાસ થઈ શકે ગામડાઓ આત્મનિર્ભર બની શકે છે.



Posted By:Prafull P Barot






Follow us on Twitter : https://twitter.com/VijayGuruDelhi
Like our Facebook Page: https://www.facebook.com/indianntv/
follow us on Instagram: https://www.instagram.com/viajygurudelhi/
Subscribe our Youtube Channel:https://www.youtube.com/c/vijaygurudelhi
You can get all the information about us here in just 1 click -https://www.mylinq.in/9610012000/rn1PUb
Whatspp us: 9587080100 .
Indian news TV