Gujarat  News 

સારંગપુરમાં ડમ્પરની ટક્કરથી પાંચ યુવકો ઘાયલ.

અમદાવાદમાં દિન પ્રતિદિન ડમ્પર ચાલકો બેફામ બની રહ્યા છે,  ચાર   દિવસમાં  ખોખરા બાદ સારંગપુરમાં ડમ્પરથી ગંભીર પ્રકારના અકસ્માતનો બીજો બનાવ બન્યા છે. જેમાં  સારંગપુર દરવાજા પાસે  ગઇકાલે મધરાતે પૂર ઝડપે આવી રહેલા ડમ્પરના ડ્રાઇવરે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમવતા નાસ્તા લારીને ટક્કર મારી હતી જ્યાં નાસ્તો કરતા પાંચ યુવકો ઘાયલ થયા હતા જેમાં એક યુવક ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે.  એટલું જ નહી  બેકાબુ બનેલા ડમ્પરની પાંચ વાહનોનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ટ્રાફિક પોલીસે  ફરાર ડમ્પર ચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ખોખરામાં ડમ્પરની ટક્કરથી મહિલા સહિત ત્રણના મોત થયા હતા.

સારંગપુર દોલતખાન ખાતે  કુંભારગલીમાં રહેતા ધર્મેશભાઇ ઉમેશભાઇ પ્રજાપતિ  (ઉ.વ.૩૦) અને તેમના મિત્ર પ્રિયાંકભાઇ તથા ઉમંગભાઇ અને કૃણાલભાઇ તેમજ અશ્વિનભાઇ સારંગપુર દરવાજા બહાર રવિવારે રાત્રે ૧૨ વાગે લારી પર   આમલેટ ખાતા હતા.  આ સમયે  પૂર ઝડપે આવી રહેલા ડમ્પરના ડ્રાઇવરે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતાં પ્રથમ લારીને ટક્કર મારી હતી.જ્યાં પાંચેય યુવકો ઘાયલ થયા હતા. જેમાં ફરિયાદીને કપાળે તેમજ   ઉમંગભાઇને  પગે અને  પ્રિયાંકભાઇને હાથે પગે, કમરના ભાગે અને ગુપ્ત તથા માથાના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી જે હાલમાં અસારવા સિવિલમાં બેભાન હાલતમાં સારવાર હેઠળ છે  જ્યારે અન્ય યુવકોને પણ ઘાયલ થયા હતા. 

પાંચેય યુવકોેને ઘાયલ  કર્યા  બાદ ડમ્પરે ત્યાં પાર્ક કરેલા ત્રણ એક્ટિવા અને બે રિક્ષા સહિત પાંચ વાહનોને અડફેટે લીધા હતા. આ બનાવના પગલે મોડી રાતે દોડધામ મચી જવા પામી હતી, અકસ્માત  સર્જાયા બાદ ડમ્પર મૂકીને ડ્રાઇવર ફરાર થઇ ગયો હતો. આ ઘટના અંગે  ઇ ડિવીઝન ટ્રાફિક  પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને નારોલ વિસ્તારમાં ગેસપુર ગામમાં રહેતા ડમ્પર ચાલક મહેશ ધીરસિંગપારઘીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે   ચાર  દિવસ પહેલા ખોખરા વિસ્તારમાં અનુપમ સિનેમા ત્રણ રસ્તા પાસે ડમ્પર ચાલકે   બાઇકને ટક્કર મારતાં એક યુવક ડમ્પરના  વ્હીલ નીચે કચડાયો હતો  જ્યારે બીજા યુવક ને માથામાં ગંભીર ઇજા  થતાં બન્ને યુવકના  સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા.

 જ્યારે અકસ્માત સર્જા બાદ  ડમ્પર ચાલકે ભાગવાનો પ્રયાસ કરતાં બ્રેકના બદલે એક્સીલેટર દબાઇ ગયું હતું જેથી ડમ્પર નજીકમાં આવેલી બુચેશ્વર મહાદેવની ચાલી પાસે  મકાનની દીવાલે જઇને અથડાયું હતું જ્યાં ખાટલામાં સુઇ રહેલા માતા અને પુત્રને ટક્કર મારી હતી. જેમાં મહિલાનું મોત થયું હતું.



Reported By:Makwana Amit B



Indian news TV