Gujarat News 

ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જે.પી.નડ્ડાએ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ની લીધી મુલાકાત , સરદાર સાહેબની વિરાટ પ્રતિમાના ચરણોમાં પુષ્પાંજલી સાથે કરી ભાવવંદના , ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઇ વાઘાણી અને શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા મુલાકાત મા જોડાયા

રાજપીપળા, શનિવાર 

 

ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડાએ આજે સરદાર વલ્લભભાઇ પટેલના કેવડીયા કોલોની ખાતે સ્થાપિત સરદાર- સ્મારક સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ પરમ ધન્યતાનો ભાવ વ્યકત કર્યો હતો. આ મુલાકાત દરમિયાન બીજેપીના રાષ્ટ્રીય સંગઠન મંત્રીશ્રી વી.સતીષ, ગુજરાતના શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ગુજરાત ભાજપા પ્રદેશ પ્રમુખશ્રી જીતુભાઇ વાધાણી પણ સાથે જોડાયા હતાં. 

  રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષશ્રી જે.પી.નડ્ડા આજે સવારે હેલિકોપ્ટર ધ્વારા કેવડીયા કોલોનીના હેલીપેડ ખાતે આવી પહોંચતા સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય એડમીનીસ્ટ્રેટરશ્રી અને જિલ્લા કલેકટરશ્રી આઇ.કે.પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ, સંસદ સભ્યશ્રી મનસુખભાઇ વસાવા અને શ્રીમતી ગીતાબેન રાઠવા, પૂર્વ મંત્રીશ્રી શબ્દશરણભાઇ તડવી, ધારાસભ્યશ્રી અભેસિંગ તડવી, પૂર્વ ધારાસભ્યશ્રી મોતીસિંહ વસાવા, શ્રી ધનશ્યામભાઇ દેસાઇ, શ્રી ગજેન્દ્રસિંહ જાડેજા, શ્રી જશુભાઇ રાઠવા, શ્રીયોગેશભાઇ પટેલ, શ્રી દીલુભા ચુડાસમા,પૂર્વ ધારાસભ્યશ્રી રમેશભાઇ મિસ્ત્રી, શ્રી સતીષભાઇ પટેલ, મહિલા અગ્રણી શ્રીમતી ભારતીબેન તડવી, શ્રીમતી જયશ્રીબેન ધામેલ, શ્રીમતી દક્ષિણીબેન કોઠીયા વગેરે તરફથી શ્રી નડ્ડાનું ભવ્ય સ્વાગત કરી ઉષ્માભર્યો આવકાર અપાયો હતો. કેવડીયા હેલીપેડ નજીક આદિવાસી નૃત્ય મંડળીઓ દ્વારા પરંપરાગત નૃત્યની રમઝટ સાથે શ્રી નડ્ડાના આ આગમનને વધાવી લીધુ હતુ.

 

સ્ટેચ્યુ ઓફ યુનિટીની આ મુલાકાત દરમિયાન શ્રી જે.પી.નડ્ડાએ અતિ વિરાટ સરદાર સાહેબની વિરાટ પ્રતિમાના ચરણોમાં ગુલાબના પુષ્પો દ્વારા અંજલી આપીને અખંડ ભારતના શિલ્પી શ્રી સરદાર વલ્લભભાઇ પટેલની ભાવવંદના કરી હતી અને ભાવવિભોરતા સાથે જણાવ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતથી આજે હું પ્રસન્નતા સાથે ધન્યતાની લાગણી અનુભવી રહયો છું.

  શ્રી નડ્ડાએ માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે, આજે મા નર્મદાના પવિત્ર તટ પર સરદાર સરોવર ડેમ પાસે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું આ ધામ આઝાદ ભારતનું તીર્થ સ્થાન બની ગયું છે. દેશની સ્વતંત્રતા ચળવળ અગાઉ, ચળવળ દરમિયાન અને દેશની આઝાદી બાદ ૫૬૨ જેટલા રજવાડાઓના વિલીનીકરણમાં સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબની મુખ્ય ભૂમિકા રહી છે. જેના લીધે આજે આધુનિક-સશકત ભારતનું નિર્માણ થયું છે. આ સ્મારક સ્થળ એક પ્રેરણાસ્ત્રોત બની રહયું છે, ત્યારે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી અને ગૃહ મંત્રીશ્રી અમિતભાઇ શાહના નેતૃત્વમાં ભારત દેશને હજી પણ વધુ સમૃધ્ધ બનાવવા માટે  સૌ કોઇને સંકલ્પબધ્ધ થવાનું  તેમણે આહવાન કર્યું હતું.

રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડાએ ૪૫ માળની ઉંચાઇએ વ્યુઇંગ ગેલેરી ખાતેથી પ્રતિમાના હદય સ્થાનેથી માતા નર્મદા અને વિધ્યાંચલ-સાતપુડાની ગિરીમાળાઓના દર્શન સાથે મા-નર્મદાના દર્શન થકી પવિત્રતાની અલૌકિક ઉંચાઇએ પહોંચ્યાની અનુભૂતિ પણ કરી હતી. ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીના મ્યુઝીયમની પણ તેમણે મુલાકાત લીધી હતી અને પ્રદર્શન નિહાળી તે અંગેની વિસ્તૃત જાણકારી પણ તેમણે મેળવી  હતી.

   સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિક કલેકટરશ્રી અને જનરલ મેનેજરશ્રી સંજયભાઇ જોષીએ શ્રી નડ્ડાની આ મુલાકાત દરમિયાન સ્ટેચ્યુના બાંધકામ અને સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબના જીવન-કવન અને કાર્યો પર રચાયેલ મ્યુઝીયમમાં સરદાર સાહેબના જીવનના વિવિધ પાસાંઓની વિગતોથી શ્રી નડ્ડા સહિતનાં મહાનુભાવોને વાકેફ કર્યા હતા અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનાં કેટલાક વર્ષો પહેલાંના સ્વપ્નને ગુજરાત સરકાર ધ્વારા સમય-મર્યાદામાં વિશ્વની સૌથી ઉંચી આ પ્રતિમાનું કાર્ય પુર્ણ કરવાના ભગીરથ પ્રયાસોનો તેમણે ચિતાર આપ્યો હતો. શ્રી જોષીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્લાનીંગ સ્ટેજ,ડિઝાઇન, વપરાયેલ માલ સામગ્રી, દુનિયાની સૌથી નિષ્ણાંત એજન્સી L & T ના બાંધકામના સંપૂર્ણ પ્રોસેસ વિશે પણ જાણકારી આપી શ્રી નડ્ડાને વાકેફ કર્યા હતા.

રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડા આજે સવારે કેવડીયા કોલોનીના હેલીપેડ ખાતે આવી પહોચ્યાં ત્યારે તેમના કરાયેલા ભવ્ય સ્વાગત બાદ હેલીપેડ નજીકના સ્થળેથી ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, વરિષ્ઠ હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને ઉપસ્થિત વિશાળ જનમેદનીને સંબોધતા શ્રી નડ્ડાએ જણાવ્યું હતું કે, કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષની જવાબદારી સ્વીકાર્યા બાદ ગુજરાત રાજયની મારી પહેલી મુલાકાતમાં જ અહીં આવવાનું બન્યું તે મારા જીવનનો અત્યંત સૌભાગ્યશાળી પ્રસંગ છે. અહીં આવીને હું અત્યંત ખુશીની લાગણી અનુભવું છું તેમ જણાવી શ્રી નડ્ડાએ ઉમેર્યું હતું કે, દેશની સ્વતંત્રતા ચળવળ તેમજ આઝાદી બાદ ૫૬૨ જેટલા રજવાડાઓના વિલીનીકરણ માટે સરદાર સાહેબનું યોગદાન કયારેય ભૂલી શકાય તેમ નથી. આધુનિક ભારતનું સર્જન કરનાર સરદાર વલ્લ્ભભાઇ પટેલ સાહેબ લોકસેવક તરીકે દરેક વ્યકિત માટે એક આદર્શ વ્યકિતત્વ છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

 



Reported By:Siddhartha P Goghari
Indian news TV