Gujarat  News 

અમરેલીમાં વડાપ્રધાન  મોદી નો પ્રચડ પ્રચાર  વિપક્ષ પર મન મૂકી વરસ્યા દેશ હિત માટે ભાજપ ને મત આપવા કરી હાકલ

પ્રધાનમંત્રીશ્રીએ સભામાં ઉપસ્થિત વિશાળ જનમેદનીને જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રની ધરતી સંત બાપા બજરંગદાસની છે, સૌરાષ્ટ્રની ધરતી સીતારામ બાપાની છે, આપ સૌ ધરતી ઉપરથી આપ સૌના આશીર્વાદ લેવા માટે આવ્યો છું. 
આ પ્રસંગે તેઓએ જલારામબાપાના ગુરુ ભોજલબાપા અને ગુજરાતના પ્રથમ લોકપ્રિય મુખ્યમંત્રી જીવરાજ મહેતાને પણ યાદ કર્યા હતા. આ ઉપરાંત અમરેલીની ધરતી પર દુલા ભાયા કાગ, કાનજી ભુટા બારોટના બધાના નામ કાનમાં ગુંજતા હોય ત્યારે કવિ કલાપીને પણ યાદ કરીને તેને કહ્યું હતું કે, સંવેદના કોને કહેવાય તે કવિ કલાપી પાસેથી શીખવા મળ્યુ છે. એ જ પરંપરા સ્વ. રમેશ પારેખની પણ જોવા મળે છે. અમરેલીમાં એક-એકથી ચઢિયાતા ઉચ્ચ કોટીના કવિઓ પેદા થયા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ૨૦૦૧ થી મારી એક નવી જિંદગીની શરૂઆત થઈ હતી. મને ૨૦૦૧ના ભૂકંપ પછી ગુજરાતમાં સૌથી લાંબો સમય સેવા કરવા માટે આપનો અદભુત સાથ-સહકાર મળ્યો. ગુજરાતની જનતા અને મારા વચ્ચે છેલ્લા બે દાયકામાં અતુટ ઘરોબો થઇ ગયો છે. તેઓએ લાગણી સાથે જણાવ્યું હતું કે, આ પ્રેમના કારણે તમારો મારા પર હક પણ એટલો જ છે. પાંચ વર્ષ પહેલા જ્યારે ગુજરાત છોડવાનું નક્કી થયું, એ સમયે ભારે મનથી મને વિદાય આપી હતી. તમારા સૌના દિલમાં એકજ ભાવ રહ્યો કે, નરેન્દ્ર મોદી આપણાથી દૂર નહીં જતા રહે ને. તમારી આંખોમાં એ ભાવ મેં જોયો છે.
દિલ્હીની દુનિયા ગમે તેટલી મોટી હોય, દુનિયાના ગમે તેટલા મોટા મોટા વ્યક્તિઓને મળતો હોઉ, વિશ્વ આખામાં ભારતની ચર્ચા ચાલતી હોય ત્યારે મનમાં થાય કે, આ બધું હું એટલા માટે કરી શક્યો છું કે મને ગુજરાતે શીખવ્યું છે. ગુજરાતે મારું લાલન-પાલન અને ઘડતર કર્યું છે. એ વખતે પાંચ કરોડ ગુજરાતીઓએ મારા કામને જોયું અને વિચારવા માટે મજબૂર કર્યો કે જે માણસે આટલો લાંબો સમય ગુજરાતને સાંભળ્યું છે તે માણસ દેશ સંભાળશે તો દેશને પણ ગુજરાતની જેમ જ સમૃધ્ધ બનાવશે. દેશવાસીઓના અતૂટ પ્રેમ અને વિશ્વાસ થકી મને નિર્ણયો લેવાની શક્તિ મળી છે. 
પાછલા પાંચ વર્ષમાં મેં અનેક કઠોરથી કઠોર નિર્ણયો લીધા છે. ગરીબાઇ અને ગરીબની જિંદગીનો ખ્યાલ પણ રાખ્યો છે. દુનિયાની મોટામાં મોટી તાકાત સાથે સામી છાતીએ ઉભો રહ્યો છું. ડોકલામના વિવાદ વખતે ૭૦-૭૫ દિવસ ભારત-ચીનની સેના આમને-સામને હતી ત્યારે સમગ્ર દેશભરમાંથી દેશની સુરક્ષાને લઇને ચિંતા વ્યક્ત કરતાં સંદેશા મને મળી રહ્યા હતા. પણ ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે કે જ્યાંથી આરપારની લડાઇ લડી લેવાના સંદેશા મળી રહ્યા હતા. તેના કારણે મારી સાહસ અને પ્રતિસાદ આપવાની ઈચ્છા એકદમ પ્રબળ બની હતી.
શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યુ હતુ કે, હિન્દુસ્તાને પાછલા ૫૫ વર્ષમાં એક જ પરિવારશાહી જોઇ છે, એક પરિવાર તંત્રને જ જોયું છે. દેશમાં કોઇને સ્વપ્નેય ખ્યાલ નહોતો કે એક સામાન્ય માનવી દેશમાં શાસન કરી શકે છે. આ ગુજ્જુ ચાવાળો કેવી રીતે સમગ્ર ભારતને સાચી દિશા બતાવી શકશે. ગુજરાતની ધરતી સરદાર વલ્લભભાઈ પટેલની છે. આજે હું જે કંઈ છું તે તમારા થકી જ છું. મારા માટે આ ચૂંટણીસભા નથી મારે મન આ આભાર સભા છે. ત્યારે હું માથું ઝુકાવીને સમગ્ર ગુજરાતની જનતાને નમન કરું છું.
મને બરાબર યાદ છે કે, પાણી વિના આપણું કચ્છ-કાઠિયાવાડ ટળવળતું હતું. કોંગ્રેસની સરકાર હતી ત્યારે આપણે પાણી માટે તેમને આજીજી કરતા હતા. પાણીનું કંઈક કરો એવી આપણે વારંવાર વિનંતી પણ કરતા હતા. પાણીના અભાવે બધાના ખેતરો સુકાઈ ગયા અને પશુધન પણ ખતમ થઈ રહ્યું હતું, ગામડાં ખાલી કરીને લોકો શહેરોમાં જવા માટે મજબૂર બન્યા હતા. પાણીની યોગ્ય વ્યવસ્થા કરવા માટે કોંગ્રેસે ક્યારેય દરકાર લીધી નહોતી. સરદાર સરોવર યોજના ૪૦ વર્ષ પહેલાં પૂરી થઈ હોત તો ગુજરાત આજે અલગ રંગે રંગાયેલું હોત. આજે ૪૦ વર્ષ બાદ જે બજેટ ખર્ચાયુ તે રાજ્યના બીજા વિકાસના કામો માટે વાપરી શક્યા હોત.આ સરદાર સરોવર ડેમને રોકવાનું જો કોઈએ પાપ કર્યું હોય તો માત્ર અને માત્ર કોંગ્રેસે જ કર્યું છે. તેણે ગુજરાતને તરસ્યું રાખ્યું તેથી ગુજરાત ક્યારેય તેને માફ ન કરી શકે. જ્યારે તમે દિલ્હીમાં મને સેવા કરવા મોકલ્યો તો માત્ર ૧૭ દિવસમાં જ મેં સરદાર સરોવર ડેમના દરવાજાની ઉંચાઇ વધારવા માટેની મંજુરી આપી દીધી હતી અને તેનુ કામ પૂર્ણ કરાવ્યું હતું. આજે આ જ સરદાર સરોવર ડેમના પાણી ગામે ગામ પહોંચાડવામાં આપણે સફળતા પ્રાપ્ત કરી છે. 
શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યુ હતુ કે, તેઓને ગુજરાતમાં અમુક વિસ્તારોમાં પડતી પાણીની તંગી અને તેના માટેની કરવા પડતા વ્યવસ્થાપનની પ્રક્રિયાથી સૂપેરે પરિચિત હતા. તેથી જ તેઓએ સંકલ્પ કર્યો છે કે, પાણી માટે થઇને એક અલગથી જળશક્તિ મંત્રાલયનું નિર્માણ આગામી સમયમાં કરવામાં આવશે. સાથે સાથે દરિયાકાંઠાના ક્ષેત્રો, મત્સ્ય ઉદ્યોગના વિકાસ અને માછીમાર ભાઇઓની સમસ્યાઓના નિરાકરણ માટે અલગથી મંત્રાલય બનાવવાનો ભાજપાની એનડીએ સરકારે નિર્ણય કર્યો છે. 
આપ સૌ જાણો છો કે, વિશ્વની ઊંચામાં ઊંચી પ્રતિમા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની ગુજરાતમાં બનાવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી શ્રી સરદાર સાહેબના વિરાટ વ્યક્તિત્વને પ્રગટ કરે છે. આ સ્ટેચ્યુ ઓફ યુનિટી આપણું અને સમગ્ર દેશનું ગૌરવ છે. પંડિત નહેરુને નીચા બતાવવા માટે મેં સરદાર સાહેબના સ્ટેચ્યુનું નિર્માણ નથી કર્યુ. સરદાર પટેલ સાહેબનું વ્યક્તિત્વ જ એટલું વિરાટ હતું કે બીજાને નીચા દેખાડવાની જરૂર જ નથી. અંગ્રેજો આ દેશને તોડી વેરવિખેર કરીને ગયા ત્યારે આ લોહપુરુષે દેશને એક તાંતણે પરોવી દીધો. સમગ્ર અખંડ ભારતના નિર્માણમાં તેમણે સિંહફાળો આપ્યો છે. આવનારી પેઢીને સદીઓ સુધી પ્રેરણા આપવા માટે સરદાર સાહેબના સ્ટેચ્યુના નિર્માણ કરાવ્યું છે.
સરદાર સાહેબે બધા રજવાડા એક કર્યા હતા ત્યારે પંડિત નેહરુએ કહ્યું હતુ કે, કાશ્મીર મારી પાસે રહેવા દો અને તેના કારણે આ કાશ્મીરનો મુદ્દો આજે પણ ખૂબ સળગતી સમસ્યા બની છે. તેનું મૂળ કારણ છે કોંગ્રેસની વૃત્તિ-પ્રવૃત્તિ અને નીતિ-રીતિ. કાશ્મીરની આજે જે હાલત છે એ આપણે ઊભી નથી કરી એ કોંગ્રેસ દ્વારા વારસામાં મળેલી સમસ્યા છે.
ભૂતકાળમાં દેશના અનેક શહેરો આતંકવાદી હુમલા અને બોમ્બધડાકાથી ત્રસ્ત હતા. છેલ્લા પાંચ વર્ષમાં દેશના એકપણ ખુણેથી બોમ્બ ધડાકાનો અવાજ આવ્યો નથી. દેશની આ સુરક્ષા અને સતર્કતા માટેની અમારી કટિબધ્ધતા દેશની જનતાજનાર્દન દ્વારા મળી રહેલા સમર્થનને આભારી છે.
વર્તમાન સરકાર દ્વારા કાશ્મીરમાં આતંકવાદીઓ, હુરર્રિયત નેતાઓ અને પથ્થરબાજો પર કડકમાં કડક પગલાં લેવાઇ રહ્યા છે સાથે સાથે ભારતીય સેનાને સ્વતંત્ર રીતે કાર્યવાહી કરવા છુટ અપાઇ છે. હાલમાં કશ્મીરમાં પંચાયતની ચૂંટણીમાં ૭૫ ટકા મતદાન થયું છે, જે બતાવે છે કે કાશ્મીરની પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ આવી રહી છે. 
ભારતીય સેનાએ તેની ક્ષમતાનું પ્રચંડ પ્રદર્શન કરીને દુનિયાને ભારતની તાકાત બતાવી દીધી છે. તમે લોકોએ દેશને એવો ચોકીદાર આપ્યો છે કે જેથી તમે રાત્રે આરામથી સુઈ શકો છો. સરદાર સાહેબને જેટલું દુઃખ જીવતા નથી થયું એટલું દુઃખ કોંગ્રેસનો મેનીફેસ્ટો વાંચીને થયું હશે એવું મને લાગે છે. કાશ્મીરમાંથી અમે સેના હટાવી લઇશું તેવું કહેવામાં આવ્યુ છે. જો આવું થાય તો અમરનાથ યાત્રીઓને આતંકીઓ રહેંસી નાખે. દેશના જવાનો પર કાનૂની કાર્યવાહી કરી શકાશે તેવા વચનથી સેનાનું મનોબળ નબળું પડશે. રાષ્ટ્રદ્રોહનો કાયદો દુર કરીશું છે તે કોંગ્રેસના ધોષણા પત્ર માં દર્શાવ્યું છે. ભારતીય જવાનોને કોઈ રક્ષાકવચ નહીં હોય તો તે કેવી રીતના દેશની સુરક્ષા કરી શકશે. 
પ્રધાનમંત્રીશ્રીએ અંતમાં જણાવ્યુ હતુ કે, ૪૦૦ માંથી ૪૦ બેઠકો પર આજે કોંગ્રેસ આવી છે તેનું કારણ તમે બધાએ મારી નીતિ-રીતિ, મારી કાર્યપદ્ધતિને આપેલું સમર્થન છે. એટલા માટે જ તમારી પાસે મારી અપેક્ષા છે કે, દેશને સુરક્ષિત-સમૃધ્ધ-સક્ષમ અને વિકાસશીલ બનાવવા ગુજરાતમાંથી તમામ ૨૬ બેઠક પર ભાજપાને વિજય અપાવવાની હાકલ ઉપસ્થિત જનમેદનીને હાકલ કરી હતી.
આ પ્રસંગે ભાજપા ગુજરાત પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઈ વાઘાણી, કેન્દ્રીય મંત્રીશ્રી પરષોત્તમભાઇ રૂપાલા, રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ, અમરેલી, ભાવનગર, કચ્છ, અમદાવાદ પશ્ચિમ અને જામનગર લોકસભાના ભાજપા ઉમેદવારશ્રીઓ, પ્રદેશ અગ્રણીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ, જીલ્લા ભાજપા પ્રમુખ/મહામંત્રીશ્રીઓ, વિવિધ સમાજના આગેવાનો, સ્થાનિક અગ્રણીઓ, સંગઠનના હોદ્દેદારોશ્રીઓ તથા વિશાળ સંખ્યામાં ભાજપાના કાર્યકરો,સમર્થકો અને સ્વયંભૂ જનમેદની ઉપસ્થિત રહી હતી.Posted By:Jayesh makwana


Follow us on Twitter : https://twitter.com/VijayGuruDelhi
Like our Facebook Page: https://www.facebook.com/indianntv/
follow us on Instagram: https://www.instagram.com/viajygurudelhi/
Subscribe our Youtube Channel:https://www.youtube.com/c/vijaygurudelhi
You can get all the information about us here in just 1 click -https://www.mylinq.in/9610012000/rn1PUb
Whatspp us: 9587080100 .
Indian news TV