National News 

વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારી શાલિની અગ્રવાલના અધ્યક્ષસ્થાને નોડેલ અધિકારીઓ સાથે ચૂંટણીલક્ષી કામગીરી સમીક્ષા બેઠક યોજાઇ

વડોદરા તા. ૧૨ માર્ચ

 

 જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલે સંબંધિત નોડેલ અધિકારીઓ સાથે ચૂંટણીલક્ષી કામગીરીની સમીક્ષા બેઠક યોજી હતી.

જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ વાહન મેનેજમેન્ટ, તાલીમ, મટિરિયલ, આચાર સંહિતા અમલીકરણ, ભીંતચિત્રો અને પોસ્ટર્સ દૂર કરવા અંગે, ખર્ચ નિરિક્ષણ, બેલેટ પેપર સંબંધિત કામગીરી, મીડિયા કમિટી, હેલ્પલાઇન સંબંધિત તાલીમ સહિતની કામગીરીની વિગતો મેળવી તે કામગીરીની સમીક્ષા કરી હતી.

જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીમતી શાલિની અગ્રવાલે ચૂંટણી સંબંધિત જાહેરનામા પ્રસિધ્ધ કરવા અને ફરિયાદ નિવારણની કામગીરીને વધુ સારી રીતે કાર્યરત કરી ફરિયાદો મળવા અને તેના નિરાકરણના ત્વરિત પગલાં લેવાની સૂચના આપી હતી. ચૂંટણી સંબંધિત પૂછપરછ અને ફરિયાદ માટે મતદાતાઓ હેલ્પલાઇન નં.૧૯૫૦નો ઉપયોગ કરી શકે છે ત્યારે તા.૧૧ માર્ચ સુધીમાં વડોદરા જિલ્લામાં ૫૦ પૂછપરછ મુખ્યત્વે મતદાર યાદીમાં નામના સમાવેશ, જે-તે વિસ્તારના બીએલઓઝની વિગતો મેળવવા માટે મળી હતી, ફરિયાદોનુ નિવારણ ફરજ પરના કર્મચારીઓએ કર્યુ હતું.

જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ ચૂંટણીલક્ષી કામગીરી માટે મટીરીયલ્સ મેનેજમેન્ટ અંગે થયેલ પ્રગતિનો અહેવાલ મેળવી તેને સાચવવા ઘટતું કરવા સૂચના આપી હતી. તેમણે વડોદરા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા પરિસ્થિતિ જાણી હતી. ચૂંટણી ફરજના અધિકારી-કર્મચારીઓ બેલેટથી મતદાન કરી શકે તે માટે પોસ્ટલ બેલેટની યોગ્ય વ્યવસ્થા કરવા તાકીદ કરી હતી.

મતદાતાઓને મતદાન માટે જાગૃતિ કરવા SVEEP તળેથી પ્રગતિ મેળવી યુવા, મહિલા, દિવ્યાંગ મતદારોને મતદાન જાગૃતિ પ્રવૃતિ હેઠળ આવરી લેવા સૂચના આપી હતી. SVEEP તળે વડોદરા જિલ્લામાં ‘મતોત્સવ’ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવશે. કોલેજ-યુનિ.ના યુવા મતદારોમાં મતદાનનો મહિમા સમજાવવામાં આવશે. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી કિરણ ઝવેરી, નિવાસી અધિક કલેકટરશ્રી ડી.આર.પટેલ, અધિક કલેકટરશ્રી નારાયણ માધુ, અધિક કલેકટરશ્રી ધીરેન પંડ્યા, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નરશ્રી પંકજ ઔંધિયા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ચૌધરી સહિત ચૂંટણી કામગીરીમાં ફરજરત નોડલ અધિકારીશ્રી અને કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.



Reported By:Siddhartha P Goghari
Indian news TV