મરોલી ખાતે આદિજાતિ રાજ્યમંત્રી રમણલાલ પાટકરના હસ્તે મચ્છીમાર્કેટનું ખાતમુહૂર્ત કરાયું
ઉમરગામ તાલુકાના મરોલી ખાતે મચ્છી વેચાણનો ધંધો કરનારાઓ માટે બનાવવામાં આવનાર મચ્છીમાર્કેટનું ખાતમુહૂર્ત વન અને આદિજાતિ રાજ્યમંત્રી રમણલાલ પાટકરના હસ્તે કરાયું હતું.
આ અવસરે આદિજાતિ રાજ્યમંત્રી રમણલાલ પાટકરે જણાવ્યું હતું કે, મચ્છી વેચાણનો ધંધો કરવા માટે યોગ્ય જગ્યા મળી રહે અને ગામમાં ગંદકી ન થાય તે માટે મચ્છી માર્કેટ બનાવવી જરૂરી હોઇ કેન્દ્ર સરકારની યોજનામાંથી ઉમરગામ તાલુકામાં સંજાણ નારગોલ અને મરોલી ખાતે મચ્છી માર્કેટ બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. જે પૈકી આજે મરોલી ગામની મચ્છીમાર્કેટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ગામની વ્યવસ્થામાં લોકોની ભાગીદારી જરૂરી છે, તેમ જણાવી ભારતીય સંસ્કૃતિ મુજબ સાથે મળી કામગીરી કરી રાષ્ટ્રીય ભાવના કેળવવા અનુરોધ કર્યો હતો. સરકારની વિવિધ યોજનાઓની જાણકારી આપતાં મંત્રીશ્રીએ વિવિધ બીમારીઓના ખર્ચને પહોંચી વળવા માટે આયુષ્માન ભારત યોજનાનો તેમજ વીજમાફી યોજનાનો લાભ લઇ વીજ કનેકશન ફરીથી ચાલુ કરાવી લેવા અનુરોધ કર્યો હતો. કિસાન સન્માન સમૃધ્ધિ યોજના હેઠળ દરેક ખેડૂતને ૬ હજાર રૂપિયા આપવામાં આવનાર છે, જે માટે જરૂરી દસ્તાવેજો ગ્રામ પંચાયત ખાતે જમા કરાવી દેવા જણાવ્યું હતું. માછીમારો માટેની વિવિધ યોજનાઓની જાણકારી આપી ૧૧ વ્યક્તિઓના સમૂહને બોટ માટે ૬પ લાખની સહાય રાજ્ય સરકાર આપે છે, તેનો જરૂરિયાતમંદોને લાભ લેવા પણ જણાવ્યું હતું.
આ અવસરે મરોલી સરપંચ, અગ્રણીઓ બાબુભાઇ વરઠા, કનુભાઇ સોનપાલ, જિલ્લા-તાલુકા પંચાયત સભ્યો, ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહયા હતા.